રાજકોટમાં વાલ્કેશ્વર સોસાયટીનો યુવક તેના મિત્ર સાથે વાવડીમાં ગયો હતો, ત્યાં યુવકના મિત્રના કૌટુંબિક ભાઇના પ્રેમલગ્ને ચાલતા વિવાદનું સમાધાન ચાલી રહ્યું હતું તે વખતે જ જે મકાનમાં બેઠા હતા તે મકાન માલિકની પત્ની ભાડું ઉઘરાવવા આવી હતી અને તે મામલે બોલાચાલી થતાં મકાન માલિક સહિત પાંચ શખ્સે ધોકા પાઇપથી હુમલો કર્યો હતો, જેમાં વાલ્કેશ્વર સોસાયટીના નિર્દોષ યુવકની હત્યા થઇ હતી.
હત્યાની ઘટના અંગે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા શકીલ મહોમદશાહ શાહમદારે (ઉ.વ.33) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું. શકીલ શાહમદારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.5ના બપોરે તેના કાકાના પુત્ર અવેશનો તેને ફોન આવ્યો હતો અને તેણે કહયું હતું કે, તું આવ ભગવતીપરામાં પપ્પાના ઘરે જવું છે, જેથી શકીલ અને વાલ્કેશ્વર સોસાયટીમાં રહેત તેનો મિત્ર વિપુલ જયંતિભાઇ મકવાણા (ઉ.વ.40) બાઇક પર વાવડીમાં ખોડલ પેલેસ પર રહેતા અવેશના ઘરે ગયા હતા. શકીલ અને વિપુલ એક રૂમમાં બેઠા હતા ત્યારે અવેશના મમ્મી શેહનાઝબેન તથા તેના બે બહેન સાઝમી અને નામઝમીન પણ હાજર હતા અને તેઓ 4 વર્ષ પહેલા અવેશે કરેલા પ્રેમલગ્ન બાબતે વાતચીત કરી રહ્યા હતા. અવેશે પ્રેમલગ્ન કર્યા હોય તેના પરિવારજનોએ સંબંધ તોડી નાખ્યા હતા અને તે બાબતે પરિવાર વચ્ચે સમાધાન ચાલી રહ્યું હતું, તે વખતે જ ખોડલ પેલેસના બીજા માળે રહેતા ભગીરથસિંહ વાઘેલાના પત્ની આવ્યા હતા અને તેમણેે અવેશ પાસે રૂ.2500 ભાડાની ઉઘરાણી કરી હતી, અને તે બાબતે માથાકૂટ કરી ભગીરથની પત્ની જતી રહી હતી અને તેણે ભગીરથને આ બાબતે ફોનથી જાણ કરી હતી.
ત્યારબાદ શકીલ અને વિપુલ મકવાણા ખોડલ પેલેસના પાર્કિંગમાં ઉભા હતા ત્યારે ભગીરથસિંહ વાઘેલા અને ચાર અજાણ્યા શખ્સ અલગ અલગ સ્કૂટરમાં ધસી આવ્યા હતા અને પાંચેય શખ્સના હાથમાં ધોકા પાઇપ હતા, તેઓ અવેશના ઘરે ગયા હતા પરંતુ અવેશે દરવાજો બંધ કરી દેતા પાંચેય શખ્સ થોડીવાર બાદ નીચે પાર્કિંગમાં આવ્યા હતા અને ભગીરથે તારે શું છે? તેમ કહી શકીલને ગાળો ભાંડવા લાગ્યો હતો, શકીલે ગાળો દેવાની ના કહેતા ભગીરથે આજે તમને બંનેને પતાવી જ દેવા છે તેમ કહી પાંચેય શખ્સ શકીલ અને વિપુલ મકવાણા પર ધોકા પાઇપથી તૂટી પડ્યા હતા, પાઇપ અને ધોકાના આડેધડ ઘા ઝીંકાતા વિપુલ ઢળી પડ્યો હતો, હુમલાખોરો બેફામ બનતા શકીલ દોડીને ભાગી ગયો હતો, થોડીવાર બાદ હુમલાખોરો નાસી ગયા હતા અને શકીલની પત્ની સહિતના પરિવારજનોએ ગંભીર રીતે ઘવાયેલા વિપુલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા સહિત પાંચની ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ધોકા પાઇપ સહિતના હથિયારો કબજે કરવાની કવાયત શરૂ કરી હતી.