મેટોડાથી નાસ્તો કરવા આવી રહેલા યુવકનું કારની ઠોકરે અકસ્માતમાં મોત

શહેરના કાલાવડ રોડ પર વીરડા વાજડી નજીક કારે ડબલસવારી બાઇકને ઉલાળતાં બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા થઇ હતી. બંને મિત્રો મેટોડાથી નાસ્તો કરવા રાજકોટ આવી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. મેટોડા ગેટ-1માં આવેલા વ્રજવાટિકામાં રહેતો જય સુભાષભાઇ માણાવદરિયા (ઉ.વ.24) અને તેની પાડોશમાં જ રહેતો તેનો મિત્ર મલય સુથાર શનિવારે રાત્રે અન્ય એક મિત્રનું બાઇક લઇને રાજકોટ નાસ્તો કરવા આવવા નીકળ્યા હતા. બંને મિત્રો કાલાવડ રોડ પર વીરડા વાજડી નજીક પહોંચ્યા હતા ત્યારે ધસી આવેલી કાર સાથે બાઇકની ટક્કર થઇ હતી. અકસ્માતમાં બંને મિત્ર રસ્તા પર ફંગોળાયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા જય માણાવદરિયાનું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્ર મલયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને પણ હેમરેજ જેવી ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડિંડોર અને રાઇટર કિરીટ રામાવત સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જય માણાવદરિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *