રાજકોટ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડેલા યુવાનની લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે માર મારી હત્યા નીપજાવી હતી

રાજકોટમાં મિત્ર સાથે પિતરાઈના ઘરે જતા તેના મકાન માલિકે અચાનક આવી રૂપિયા 2500ના ભાડાની ઉઘરાણી કરી હતી. તે દરમિયાન મૃતકના મિત્રના ભાઈ અને ક્વાર્ટરમાં બીજા માળે રહેતા ભગી વાઘેલા વચ્ચે મામલો શાંત પાડવા વચ્ચે પડેલા નિર્દોષ યુવાન વિપુલ મકવાણા (ઉ.વ.40)ને મકાન માલિક સહિત 5 શખ્સોએ લોખંડના તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જે બાદ ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હાલ બનાવ અંગે ગુનો નોંધી તાલુકા પોલીસે એક સગીર સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, ફરિયાદી શકીલ મહંમદશા શાહમદાર (ઉં.વ.33)ના જણાવ્યા મુજબ ગત તા. 5/06/2025ના રોજ બપોરના 2.30 વાગ્યા આસપાસ તેઓ પોતાના પિતરાઈ ભાઈ અવેશ શાહમદારના ઘરે ગયો હતો. ત્યારે તેનો મિત્ર વિપુલ મકવાણા સાથે હતો અને બન્ને માલીયાસણ ચોકડીથી બાઈક લઈ વાવડીમાં રહેતા અવેશના ખોડલ પેલેસ ખાતે આવેલા મકાને ગયા હતા. દરમિયાન બપોરના 3.15 વાગ્યાની આસપાસ ભગી વાઘેલા અને તેની સાથે બે વ્યક્તિ એક એક્ટિવામાં આવ્યા હતા. જેમાં ભગી વાઘેલા પાસે લોખંડનો પાઈપ અને તેની સાથેના એક વ્યક્તિ પાસે લોખંડનો પાઇપ અને બીજા પાસે લાકડાનો ધોકો હતો. બાદ તેમણે કોઈકને ફોન કરી બોલાવેલા અને થોડીવારમાં બીજા બે વ્યક્તિ એક્ટિવા લઈને આવ્યા હતા. તેઓ અવેશના ઘરે ગયા ત્યારે અવેશે દરવાજો બંધ કરી દેતા થોડીવાર બાદ આ પાંચેય વ્યક્તિ નીચે ફરિયાદી પાસે આવ્યા હતા.

ફરિયાદી પાસે આવી ભગી વાઘેલાએ જણાવ્યું કે તારે શું છે તેમ કહી ગાળો આપતા બન્ને વચ્ચે ભાડાની રકમની લેવદેવડ બાબતે બોલાચાલી થતા તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રોષે ભરાયેલા ભગી વાઘેલાએ તમને બંનેને પતાવી જ દેવા છે કહીને ફરિયાદીને માથામાં લોખંડનો પાઇપ મારી દીધો હતો. જે બાદ બીજા બે વ્યક્તિઓ લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી ફરિયાદીના મિત્ર વિપુલને મારવા લાગ્યા હતા અને પાછળથી આવેલા બે વ્યક્તિઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. વિપુલને માથામાં વાગી જતા તે નીચે પડી ગયો હતો જેથી તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને ફરિયાદી ત્યાંથી ભાગીને બહાર જતો રહ્યો હતો. જ્યાંથી પત્નીને ફોન કરી બોલાવતા પત્ની અને તેના પિતા રીક્ષા લઈને આવ્યા હતા અને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *