રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા તાબેના જામગઢમાં વાડીમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવક રાત્રે વાડીએ સૂવા ગયો હતો અને સવારે લાશ મળતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. હત્યાનું કારણ જાણવા અને હત્યારાઓની ભાળ મેળવવા પોલીસે કવાયત શરૂ કરી હતી. કુવાડવાના જામગઢમાં રહેતા અને ખેતીકામ કરતાં વિનુભાઇ ઉર્ફે વિનો વેલાભાઇ વાવડિયાએ તેના નાના ભાઇ મુકેશ (ઉ.વ.33)ની હત્યા થયા અંગેની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિનુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે આઠેક વાગ્યે તેનો ભાઇ મુકેશ ઘરેથી જમીને ગામમાં આવેલી પોતાની વાડીએ સૂવા ગયો હતો. તા.18ને રવિવારે સવારે 7 વાગ્યે વિનુભાઇ પોતાની વાડીએ પહોંચ્યા હતા ત્યારે તેનો નાનો ભાઇ મુકેશ વાડીમાં ખાટલા પર લોહિયાળ હાલતમાં જોવા મળ્યો હતો, તેના મોઢા, આંખ અને કપાળના ભાગે ઇજાના નિશાન હતા.
મુકેશ વાવડિયાની હત્યા થયા અંગેની જાણ કરાતાં કુવાડવા પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મુકેશ બે ભાઇ અને બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. વાવડિયા પરિવારે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મુકેશને કે પરિવારના કોઇ સભ્યોને કોઇ સાથે દુશ્મનાવટ નથી અને હત્યાના કારણ અંગે પોતે અજાણ હોવાનું રટણ રટ્યું હતું. પોલીસે મૃતક મુકેશનો મોબાઇલ પણ ચેક કર્યો હતો જોકે તેમાં કોઇ શંકાસ્પદ બાબત મળી નહોતી. વાડીએ કોઇ શખ્સ સામે નશા બાબતે માથાકૂટ થઇ કે હત્યામાં કોઇ જાણભેદુની જ સંડોવણી છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. યુવકની ભેદી સંજોગોમાં હત્યાની ઘટનાથી નાના એવા જામગઢમાં સોપો પડી ગયો હતો. હત્યાનો ભેદ ઉકેલવા કુવાડવા પોલીસ અને ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.