શહેરના સાધુ વાસવાણી રોડ પર પૈસાની ઉઘરાણીના મુદ્દે યુવક પર હુમલો કરી છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. નિર્મળા રોડ પર સાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી નિરવ ભરતભાઇ આહુજા (ઉ.વ.23)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બિજલ ઓળકિયા અને મહેશ પરિહારના નામ આપ્યા હતા.
નિરવ આહુજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રીના મહેશ પરિહારે ફોન કરીને રૂ.8 હજારની ઉઘરાણી કરી હતી. નિરવે હાલમાં પૈસાની વ્યવસ્થા નથી તેમ કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મહેશે સાધુ વાસવાણી રોડ પર પોતે જ્યાં રેંકડી રાખે છે ત્યાં બોલાવતાં નિરવે તેના બે મિત્ર સાથે ત્યાં પહોંચ્યો હતો, તે સાથે જ મહેશ અને બિજલે તેના પર હુમલો કરી દીધો હતો. બિજલે ગેસની પાઇપનો ટુકડો ફટકાર્યો હતો તો મહેશે છરીનો ઘા ઝીંકી દીધો હતો.