નારાયણનગરમાં વેલ્ડિંગની દુકાન ધરાવતા યુવકને લોન અપાવી દેવાના બહાને શખ્સે તેના ડોક્યુમેન્ટ લઇ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની તેમજ અન્ય બેને શિકાર બનાવ્યાનું બહાર આવ્યું હતું. મવડી પાસેના પાળ રોડ પર શિવ ટાઉનશિપમાં રહેતા અને મજૂરીકામ કરતા વિમલભાઇ સિદ્ધપુરાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકીનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને નારાયણનગરમાં દુકાન હોય પાંચેક માસ પહેલાં મહાવીરસિંહ નામનો વ્યક્તિ બેસવા આવતો હતો અને પોતે લોન મંજૂર કરાવી આપવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
તા.29-7 ના રોજ તેને એક લાખની લોનની જરૂર હોવાનું જણાવતા શખ્સે તેને મોબાઇલમાં ગૂગલ પે એકાઉન્ટ ખોલી મારી પાસેથી પિન નંબર મેળવી લીધો હતો અને એપ કામ કરતી નથી કહી મારો મોબાઇલ પરત આપ્યો હતો. એક માસ રૂ.3 હજાર કપાયાનો મેસેજ આવતા મહાવીસિંહને વાત કરી હતી. જો કે, બેંકે જઈ તપાસ કરતા ખાતામાં પૈસા ઉપરાંત તેના નામે લોન પણ લઇ લીધાનું બહાર આવ્યું હતું. તેમજ મહાવીરસિંહે આનંદ કાચા અને આનંદ નરશીભાઇ પાનખાણિયાને પણ શિકાર બનાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે કુલ રૂ.67105ની છેતરપિંડી કરનાર ગઠિયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.