શહેરની ભાગોળે નવાગામમાં રહેતા યુવક પર તેના સાળા અને સસરાએ છરીથી હુમલો કર્યો હતો. યુવકની પત્ની સાતમ આઠમ કરવા પિયર ગઇ હતી અને તેને પરત મોકલતા ન હોય તે બાબતે સમાધાન કરવા મળ્યા હતા અને યુવક પર છરીથી હુમલો થયો હતો.
નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા અને શહેરની ખાનગી હોસ્પિટલમં પટાવાળા તરીકે નોકરી કરતાં વિપુલ સાતાભાઇ મકવાણા (ઉ.વ.24)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવાગામ આણંદપરમાં રહેતા તેના સાળા જગા સુરેશ સંઘાણી અને સસરા સુરેશ સંઘાણીના નામ આપ્યા હતા. વિપુલ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન બે વર્ષ પહેલાં સુરેશ સંઘાણીની પુત્રી પૂજા સાથે થયા હતા અને તેમને સંતાનમાં બે માસની પુત્રી છે. વિપુલની સગીબહેન ગીતાના લગ્ન તેના જ સાળા પરેશ સુરેશ સંઘાણી સાથે થયા છે. આમ ભાઇ-બહેનના સામસામે લગ્ન થયા હતા.
સાતમ-આઠમના તહેવાર પર વિપુલની પત્ની પૂજા તેના પિયર ગઇ હતી અને ગીતા પણ તહેવાર કરવા પોતાના પિયર મકવાણા પરિવારના ઘરે આવી હતી. તહેવાર પૂરો થયા બાદ વિપુલે તેની પત્ની પૂજાને મોકલી આપવાનું કહેતા તેના સસરાએ એક મહિના સુધી પૂજાને નહીં મોકલીએ અને પુત્રવધૂ ગીતાને તેડી નહીં જાઇ તેવી વાત કરી હતી.