શહેરમાં માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં રહેતો અને નજીક વાડીમાં ખેતીકામ કરતાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીઠડઆઇ સોસાયટીમાં રહેતા અજયભાઇ હરિભાઇ જાદવ (ઉ.32) એ તા.30ના રોજ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા જમાદાર હરપાલભાઇ સોલંકી સહિતે તપાસ કરતાં મૃતક યુવકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસની વધુ પૂછતાછમાં અજયભાઇને કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને સારવાર પણ ચાલુ હોય છતાં સારું ન થતા બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.