રાજકોટના TRP અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક એવું દંપતી પણ મોતને ભેટ્યું છે કે જેમણે કોર્ટ મેરેજ કર્યા બાદ રાજકોટમાં આવી એક સપ્તાહ પૂર્વે ધામધૂમથી સગાઈ કરી હતી. આ દંપતીનું નામ છે અક્ષય ઢોલરિયા અને ખ્યાતિ સાવલિયા. જે પૈકી ખ્યાતિના DNA સેમ્પલ બે દિવસ પૂર્વે 28 તારીખના રોજ મેચ થયાં હતાં અને એ દિવસે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પછી ગઈકાલે અક્ષય ઢોલરિયાના પણ DNA મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવતા આજે વહેલી સવારે અક્ષયના મૃતદેહને અંતિમસંસ્કાર માટે મોટા મવા સ્મશાન લઈ જવામાં આવ્યો હતો. આજે SIT 8 આઇપીએસ અને આઇએએસની પૂછપરછ કરશે. અત્યાર સુધીમાં 27 મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ચૂક્યા છે. જ્યારે આ બનાવમાં 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક પોલીસ પકડથી દૂર છે. તેમજ એકનું આ આગમાં મોત થયું હતું.
મૂળ રાજકોટના અને કેનેડામાં રહી નોકરી કરતા યુવાન અક્ષય કિશોરભાઈ ઢોલરિયાનું ગત તારીખ 25 મેના રોજ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં મૃત્યુ થયું હતું. આ પછી તેમના પરિવારજનનું DNA સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા તે મેચ થયા હોવાનું જાહેર થતા મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે 6 વાગ્યે અક્ષયના મૃતદેહને નાના મવા સ્થિત અર્જુન પાર્ક સોસાયટી ખાતેથી નીકળી હતી અને મોટા મવા સ્મશાન ખાતે અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી હતી. બે દિવસ પૂર્વે તારીખ 28ના રોજ તેમના પત્ની ખ્યાતિ સાવલિયાનો પણ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવતા તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.