શહેરમાં કોઠારિયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા યુવકે એક વર્ષ પહેલા રૂપિયાની જરૂર હોય તેને સુખરામનગરમાં રહેતા શખ્સ પાસેથી તેનું મોટરસાઇકલ ગીરવે મુકી 50 હજાર બાદ 40 હજાર 10 ટકા વ્યાજે લીધા હોય છેલ્લા ચારેક માસથી વ્યાજ નહીં ભરી શકતા વ્યાજખોર પઠાણી ઉધરાણી કરતો હોવાની ફરિયાદ કરતા ભકિતનગર પોલીસે આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતા અને ઇમિટેશનનો ધંધો કરતા કેતનભાઇ પ્રવીણભાઇ ભટ્ટીને પૈસાની જરૂર હોય એકાદ વર્ષ પહેલા તેના મિત્ર જયેશભાઇને વાત કરતા તેને સુખરામનગરમાં રહેતો નિલેશ આહીર વ્યાજે રૂપિયા આપતો હોવાની વાત કરી જેથી તેને નિલેશ પાસેથી રૂ.50 હજાર 10 ટકા લેખે વ્યાજે લીધા હતા અને જેમાં તેને તેનું મોટરસાઇકલ ગીરવે આપ્યું હતું. બાદમાં તે માસિક પાંચ હજાર વ્યાજ ચૂકવતો હોય બાદમાં તેને વધુ પૈસાની જરૂર પડતા તેને નિલેશ પાસેથી વધુ 40 હજર વ્યાજે લીધા હોય. જેથી તે માસિક 9 હજાર વ્યાજ ચૂકવતો હોય પરંતુ કેટલાક સમયથી કામધંધો બરાબર ચાલતો ન હોય છેલ્લા ચારેક માસથી વ્યાજ ચૂકવી નહીં શકતા નિલેશ અવાર-નવાર વ્યાજની ઉઘરાણી કરી અને મારું મોટરસાઇકલ આપવાનું કહેતા તેને ધમકી આપી હોવાનું જણાવતા જમાદાર પ્રશાંતસિહ સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.