રાજકોટ શહેરના ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં યુવાનને પોરબંદરની એક યુવતી સાથે મિત્રતા હોઇ તેનો ખાર રાખી યુવાનનું ગઇકાલે રાત્રે તેના નાના ભાઇની નજર સામે જ પુનિતનગર વિસ્તારમાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં શખ્સોએ ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી ગોંડલ પાસે લઇ જઇ ધોકા-પાઇપથી માર મારી છોડી મૂકતાં યુવાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. પોરબંદરના શખસોએ પોતાનું હવાલો દઇને અપહરણ કરાવ્યાનું મુક્ત થયેલા યુવાને પોલીસ સમક્ષ જણાવ્યું હતું. હાલ માલવીયાનગર પોલીસે પુનિતનગર પાણીના ટાંકા વિસ્તારના પાંચ અને બે અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો હાર્દિક પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.24) ગઇકાલે 8 વાગ્યે ઘરે હતો ત્યારે તેને ત્યાંથી નીચે બોલાવી ફોર્ચ્યુનર કારમાં બેસાડી ઉઠાવી જવાયો હતો. નાના ભાઇ ભૌમિક સોલંકીની નજર સામે જ ઘટના બની હોઇ તેણે માલવીયાનગર પોલીસને જાણ કરતાં મોબાઇલ લોકેશનને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી પણ હાર્દિકનો મોબાઇલ સતત બંધ આવતો હતો. બાદમાં રાતે ફોન ચાલુ થતાં પોલીસે લોકેશન શોધતાં તે ગોંડલ આશાપુરા ડેમ નજીક હોઇ ત્યાંથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.