યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં ઉતરેલા અમરેલીના બગસરાના વતની વ્યક્તિએ ઝેરી દવાના પારખાં કરીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તેણે મરતાં પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી જે કબજે લેવાઇ છે જેમાં તેણે એવો ઉલ્લેખ કર્યો છે કે તે બેરોજગારીથી કંટાળીને જીંદગીનો અંત આણી રહ્યો છે. ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે
મળતી માહિતી અનુસાર, 45 વર્ષીય તેજસ કાંતિભાઈ સગર મૃતક મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી છે તે વીરપુરના બાબા ગેસ્ટહાઉસમાં ગઇકાલે આવ્યો હતો અને રૂમ નંબર પાંચમાં રોકાયો હતો. આજે ચેકઆઉટનો સમય થવા છતાં તે યુવક બહાર ન આવતાં ગેસ્ટ હાઉસના માલિકે રૂમ સર્વિસ બોયને ચેક કરવા મોકલ્યો ત્યારે કોઇએ રૂમ ન ખોલતાં બારણું તોડવામાં આવ્યું ત્યારે આ બનાવ સામે આવ્યો હતો. મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ધંધો ચાલતો નથી અને બેરોજગારીના કારણે હું આપઘાત કરું છું. મારા મોત માટે બીજું કોઇ જવાબદાર નથી. આ બનાવ અંગે વધુ તપાસ વીરપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ ચૌહાણ કરી રહ્યા છે.