શહેરમાં વધુ એક હિટ એન્ડનો બનાવ બન્યો છે. માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા વાહને રિક્ષાને ઠોકરે લેતા ગંજીવાડાના યુવકનું મોત નીપજ્યું હતું અને તેના મિત્રને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે આજી ડેમ પોલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગંજીવાડામાં રહેતો કાનજીભાઇ અમરશીભાઇ ચાવડા (ઉ.44) તેના મિત્ર નરેશભાઇ જ્યોતિભાઇ પઢિયાર (ઉ.37)ની રિક્ષામાં બેસી જતા હતા ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા વાહને ઠોકરે લેતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કાનજીભાઇનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમા મૃતક કાનજીભાઇ અપરિણીત હોવાનું અને યાર્ડ પાસેના ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રાન્સપોર્ટમાં છૂટક ડ્રાઇવિંગ કામ કરતો હતો અને તેની સાથે કામ કરતો નરેશ સાથે તા.29ના રોજ સાંજે રિક્ષામાં બેસી સંત કબીર રોડ પર જતો હતો ત્યારે આ બનાવ બન્યાનું બહાર આવતા પોલીસે નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.