મોત ક્યાં ક્યારે અને કેવી રીતે આવી ટપકે તે કોઇ પામી શક્યું નથી આવું જ કંઇક ભોમેશ્વર વિસ્તારના યુવક સાથે બન્યું હતું. ભોમેશ્વર મંદિરે જન્માષ્ટમીની રાત્રે રાસ રમતી વખતે યુવક બેભાન થઇ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. ભોમેશ્વર મેઇન રોડ પર વોંકળા નજીક રહેતો લાલાભાઇ રામભાઇ શિયાળિયા (ઉ.વ.41) સોમવારે રાત્રે જન્માષ્ટમી નિમિત્તે ભોમેશ્વર મંદિરે હતો. લાલાભાઇ અને ભાવિકો સાથે મંદિરના પટાંગણમાં રાસ રમી રહ્યા હતા. ત્યાં હાજર તમામ લોકો કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા થનગની રહ્યા હતા અને મંદિર પટાંગણમાં અનેરો માહોલ સર્જાયો હતો તે વખતે જ રાસ રમી રહેલા લાલાભાઇ અચાનક બેભાન થઇને ઢળી પડ્યા હતા. તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.