રાજકોટ જિલ્લાના રીબડા નજીક બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર બેલડીને ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બંને યુવક પીપળિયા નજીક કરખાનામાં કામ કરતા હોઈ કામ પૂરું કરી ઘરે પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાપરના શાંતિધામમાં રહેતા મનસુખભાઇ બિજલભાઈ સાકરિયા (ઉ.વ.40) અને સાથે જ કારખાનામાં કામ કરતા મિત્ર નયન સજુભાઈ ખાણિયા (ઉ.વ.23) બંને બાઈક લઇ તા.6ના રોજ ગોંડલથી શાપર તરફ આવતા હતા ત્યારે રીબડા નજીક બાઈક આડે અચાનક ખૂંટિયો ઉતરતા બાઈક ખૂંટિયા સાથે અથડાતાં બંને રોડ પર પટકાયા હતા. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને યુવકને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં મનસુખભાઈને માથા સહિતના ભાગે વધુ ઇજા થવાથી ગતરોજ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનસુખભાઇ ચાર ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતા અને સંતાનમાં બે પુત્ર હોવાનું તેના પરિવારજનોએ જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી.