શહેરમાં મવડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. છ માસ પૂર્વે જ છૂટાછેડા બાદ કામધંધો ન હોવાથી યુવક ડિપ્રેશનમાં આવી જતા આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અજીતસિંહ જોરૂભા જાડેજા (ઉ.30) એ પોતાના ઘેર ઉપરના માળે રૂમમાં પંખાના હૂકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. નાનો ભાઇ તેને રૂમમાં બોલાવવા જતા યુવકને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતા પરિવાર તેમજ પાડોશના લોકોએ દોડી આવી યુવકને ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના જમાદાર અરૂણભાઇ ચાવડા સહિતે તપાસ હાથ ધરી હતી. યુવકના છ માસ પહેલા જ છૂટાછેડા થયા હતા. કેટલાક સમયથી કામધંધો પણ ન હોય ડિપ્રેશનમાં આવી જતા પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં પોપટપરામાં જેલ પાછળ 53 વારિયા ક્વાર્ટરમાં રહેતા હરીભાઇ ખોડાભાઇ સોલંકી (ઉ.55) એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કારણ જાણવા કાર્યવાહી કરી છે.