શહેરમાં યુનિવર્સિટી રોડ પર સંગમ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારના એકના એક પુત્રનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંગમ સોસાયટીમાં રહેતા પાર્થભાઇ અશોકભાઇ વોરા (ઉ.27) પોતાના ઘેર હતા ત્યારે તેના રૂમમાં છતના હૂકમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારે લટકતો જોઇ જાણ કરતાં 108ની ટીમે પહોંચી મૃત જાહેર કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મયૂરસિંહ સહિતના સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક એક ભાઇ અને એક બહેનમાં મોટો હોવાનું અને શાપર-વેરાવળ ખાતે પિતા સાથે કારખાનું ચલાવતો અને અપરિણીત હોવાનું અને રવિવારે તેના સગા-સંબંધીને ત્યાં સગાઇનો પ્રસંગ હોય પરિવાર સાથે ગયા હતા અને ત્યાંથી ઘેર આવી આ પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.