કણકોટ પાસે ટેમ્પાએ ઠોકરે લેતા બાઇકસવાર યુવકનું મોત

શહેરમાં કણકોટ રોડ પર પૂરપાટ ટેમ્પાએ ઠોકરે લેતા બાઇકસવાર યુવકનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરતા મેટોડા ખાતે જ્યોતિ સીએનસી કંપનીમાં યુવક કામ કરી ઘેર જતો હતો ત્યારે આ બનાવ બન્યો હોવાનું તેમજ અકસ્માત બાદ નાસી જનાર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ દાહોદના અને હાલ વિરડા વાજડી ગામે રહેતો અને મેટોડામા જ્યોતિ સીએનસી કંપનીમાં નોકરી કરતો પ્રકાશ ભરતાભાઇ બામણિયા (ઉ.32) રવિવારે મેટોડાથી તેનું બાઇક લઇને તેના ઘેર જતો હતો ત્યારે કણકોટ રોડ પર બુદ્ધ વિહાર પાસે ટેમ્પાએ ઠોકરે લેતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક યુવકને બે સંતાન હોવાનું અને અકસ્માત બાદ માલવાહક ટેમ્પોચાલક નાસી ગયો હોવાનું બહાર આવતા પોલીસે મૃતક યુવાનના પિતરાઇ સબુરભાઇ બામણિયાની ફરિયાદ પરથી ટેમ્પોચાલક સામે ગુનો નોંધી તેની શોધખાળ કરી છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *