સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ટ્રક-ડ્રાઈવર રાજકુમાર શાહુ (ઉં.વ.25)નું શંકાસ્પદ હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકુમાર ટ્રક-ડ્રાઈવર ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો ત્યારે છાતીમાં દુખાવા બાદ સ્ટીયરિંગ પર માથું મૂકીને બેભાન થઈ ગયો. હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકની પત્નીને છ માસનો ગર્ભ છે. ત્યારે પિતા બને એ પહેલાં જ મોતને ભેટતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
રાજકુમારના મોતના પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી કંપનીમાં રાજકુમાર ટ્રક લઈ આવ્યો હતો, જ્યાં નો એન્ટ્રી હોવાના કારણે ગેટથી દૂર તેણે પોતાનું વાહન પાર્ક કર્યા બાદ રાજકુમાર સીટના સ્ટીયરિંગ પર માથું મૂકી બેભાન થઈ ગયો હતો. સિક્યોરિટી ગાર્ડને રાજકુમાર બેભાન અવસ્થામાં મળી આવતાં તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.