સામાન્ય રીતે અનેક વખત લોકોને જણાવવામાં આવે છે કે, કોઈપણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં. આવી જ લિંકનો ઉપયોગ કરીને પાકિસ્તાને ભારતના સરહદથી લઈને મહત્વની જગ્યાના ડેટા મેળવી લીધા છે. તેમાં ગુજરાતના આણંદના તારાપુર પાસેના એક વ્યક્તિની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. હવે આ પાકિસ્તાની જાસૂસી સંસ્થા દ્વારા ભારતીય લોકોને અથવા ભારતમાં આવીને સ્થાયી થવા માંગતા પાકિસ્તાનીઓ દ્વારા થોડી ઘણી લાલચ આપીને ભારતીય સુરક્ષાની વિગતો પાકિસ્તાન સુધી પહોંચાડવામાં આવતી હતી. સેન્ટ્રલ એજન્સીના મહત્વના ઇનપુટના આધારે ગુજરાતમાંથી ચાલતા સીમકાર્ડ મારફતે પાકિસ્તાનને મળતી માહિતી અંગેનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ યુવકને ગુજરાત એટીએસએ ઝડપીને મહત્ત્વની સફળતા મેળવી છે. આરોપી હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે અને તેની ઊલટ તપાસ થઈ રહી છે.
તારાપુરમાં વર્ષોથી રહેતો મૂળ પાકિસ્તાની લાભશંકર મહેશ્વરી પાકિસ્તાનની જાસૂદી સંસ્થા માટે કામ કરતો હતો. લાભશંકર પોતાના પરિવારના વિઝા માટે પાકિસ્તાન ગયો હતો, ત્યારે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક લોકોએ તેને વિઝા આપવાની લાલચ આપીને તેની પાસે જાસૂસી કરાવાની શરૂઆત કરી હતી. આ વખતે પાકિસ્તાનીઓએ કોઈ તસવીરો મંગાવીને નહીં પણ ભારતીય આર્મીના કેટલાક લોકોના ફોન કલોન કરાવી લીધા હતા. જેમાં સૌથી મહત્વનો રોલ લાભશંકર મહેશ્વરીનો હતો.