રાજકોટ શહેરમાં મોતના માચડાની જેમ દોડતા ટ્રક અવારનવાર લોકોની જિંદગીને રોળી નાખે છે. ત્યારે આજે વધું એક જીવલેણ અકસ્માત સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જેમાં શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે પૂરપાટ ઝડપે આવેલાં ટ્રકના ચાલકે એક્ટિવા સવાર શિક્ષિકાને અડફેટે લઈ તોતિંગ વ્હીલ નીચે કચડી નાખતા શિક્ષિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને કાળો કલ્પાંત મચાવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે આવેલ આર.કે. ડ્રીમ લેન્ડ રેસિડેન્સીમાં રહેતાં સ્નેહલબેન બ્રિજેશકુમાર પોપટ (ઉં.વ.42) રેલનગરમાં આવેલ કર્ણાવતી સ્કૂલમાં ઇંગ્લિશ વિષયના શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેઓ આજે સવારે કર્ણાવતી સ્કૂલે નોકરી પર ગયાં હતાં. જ્યાંથી 12.30 વાગ્યાની આસપાસ નોકરી પૂરી કરી સ્કૂલેથી પોતાના ઘરે જવા એક્ટિવા લઈ નીકળ્યાં હતા. ત્યારે રસ્તામાં તેઓ મોરબી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઊભાં રહ્યાં હતા.