કાલાવડના નિકાવા અને આણંદપર પગપાળા જતા મહિલાને બેકાબૂ કારે ઠોકરે લેતા તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતાં મહિલા તેના પરિવાર સાથે રણુજા મંદિરના મેળામાં ગયા હતા. રાત્રીના પરત ઘેર ફરતી વેળાએ બાઇકમાં પંક્ચર પડતા પતિ, બાળક સાથે પગપાળા આવતા હતા ને બનાવ બન્યાનું બહાર અાવતા પોલીસે અકસ્માત બાદ કાર મૂકી નાસી જનાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
લોધિકાના સાંગણવા ગામે રહેતા ભાનુબેન શામજીભાઇ બાંભવા (ઉ.35) રવિવારે રાત્રીના પગપાળા જતા હતા ત્યારે નિકાવા અને આણંદપર ગામ વચ્ચે બેકાબૂ કારે ઠોકરે લેતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે કાલાવડ તાલુકા પોલીસે તપાસ કરતા મૃતક ભાનુબેનના પતિ મજૂરીકામ કરતાં હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં રવિવારે મહિલા તેના પતિ અને બાળક સાથે રણુજા મેળામાં ગયા હતા અને ત્યાંથી રાત્રીના પરત ઘરે આવતા હતા. તે દરમિયાન બાઇકમાં પંક્ચર પડતા ત્રણેય પગપાળા આવતા હતા ને આ બનાવ બન્યો હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.