રાજકોટ શહેરની મધ્યમાં લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન શ્રી રામનાથ મહાદેવ મંદિર આવેલું છે અને તેના જીર્ણોદ્ધાર પાછળ રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ અને ત્યારબાદ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ હજુ સુધી સ્થિતિ જેમની તેમ છે. જેના પરિણામે શ્રાવણ માસ નજીક આવતાં જ ભક્તજનોમાંથી ઊહાપોહ ઉઠતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓને સાથે લઇને મંગળવારે સવારે શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે દોડી ગયા હતા અને મંદિર આસપાસ નદીમાં બાંધકામનો વેસ્ટ દૂર કરવાનો, દબાણ દૂર કરવાનો અને પાર્કિંગમાં રિટેઇનિંગ વોલનું કામ શ્રાવણ માસ પહેલાં પૂરું કરવા આદેશ આપ્યો હતો. જ્યારે શ્રી રામનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે પણ નદીના પાણી સાથે ઠલવાતી ગંદકી અટકાવવા માટે મનપાના શાસકોએ કોઇ આયોજન ન કરતાં આ વર્ષે પણ શ્રાવણ માસમાં ચોમાસાના પાણીની સાથોસાથ ગંદકીના ગંજ મંદિરમાં આવશે જ તેમાં બેમત નથી.
રાજકોટ શહેરના વર્ષો જૂના પૌરાણિક અને પવિત્ર સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ભૂતકાળમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને જવાબદારી સોંપવામાં આવી હતી અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.5 કરોડના ખર્ચે જીર્ણોદ્ધારની જાહેરાત કરવામાં આવી હતી અને રૂ.2 કરોડથી વધુની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી અને તેમાંથી લગભગ રૂ.1 કરોડ જેવી રકમનો ખર્ચ પણ કરી નાખવામાં આવ્યો હતો. આમ છતાં કોઇ જાતનો લાભ ન થતાં અને ચોમાસામાં સ્થિતિ વધુ વણસતા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની જવાબદારી ફરી મહાનગરપાલિકાના શિરે મૂકી દેવામાં આવી હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાએ યાત્રાધામ વિકાસ બોર્ડે રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું બજેટ રૂ.5 કરોડ હતું તે રૂ.10 કરોડ કરી નાખ્યું હતું.