શહેરના ગોંડલ રોડ પરના ગીતાનગરમાં રહેતી અને ઘર નજીક કરિયાણાની દુકાન ચલાવતી યુવતીનો સામે દુકાન ચલાવતા ઇસમે અન્ય શખ્સ પાસે વીડિયો ઉતરાવી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવાની ધમકી આપી હતી તેમજ યુવતી જ્યાં જતી ત્યાં તેનો પીછો કરવામાં આવતો હતો. ગીતાનગરમાં રહેતી અને ખોડિયારનગરમાં પ્રોવિઝન સ્ટોર અને પ્યૂરો એનર્જીના બાટલા વેચવાનો વ્યવસાય કરતી યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની દુકાનની સામે જ આરઝુ પાન નામે દુકાન ચલાવતા ઇલ્યાસ અને સુલતાનના નામ આપ્યા હતા.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.1 જાન્યુઆરીના પોતે પોતાની દુકાને હતી ત્યારે આરઝુ પાનવાળો ઇલ્યાસ પોતાની દુકાને હતો અને એક શખ્સ યુવતીનો વીડિયો ઉતારતો હતો. યુવતીએ આ અંગે પૂછતાં તે શખ્સે ઇલ્યાસના કહેવાથી વીડિયો ઉતારી રહ્યાનું અને તેની જ સૂચનાથી સોશિયલ મીડિયામાં ફરતો કરશે તેવું કહ્યું હતું.
આ ઘટનાના અઠવાડિયા પછી પણ દુકાને પ્યૂરો એનર્જીના બાટલા ઉતારી રહ્યા હતા ત્યારે બાટલા લઇને આવેલા વાહનના ચાલકને ઇલ્યાસ તથા સુલ્તાને ધમકી આપી હતી. આ ઉપરાંત યુવતી જ્યાં જતી ત્યાં ઇલ્યાસ તેનો પીછો કરતી હતી. યુવતીએ ફરિયાદમાં એમપણ કહ્યું હતું કે, ઇલ્યાસ કરતા તેની દુકાનમાં વેપાર સારો થતો હોય ધંધાકીય ખાર રાખી ઇલ્યાસ અને સુલ્તાને હેરાનગતિ શરૂ કરી હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.