કુવાડવા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકનો પીછો કરતાં ટ્રક ચાલકે ભગાવી મઘરવાડા પાસે રૂપિયા 6.93 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક મુકી નાસી જતાં પોલીસે દારૂ, ટ્રક મળી 27 લાખની મતા કબજે કરી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા પોલીસ મથકના એએસઆઇ ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે શંકાસ્પદ ટ્રકનો પીછો કરતાં ટ્રક ચાલક નાસી જતાં પોલીસે પાંચેક કિલોમીટર પીછો કર્યો હતો. દરમિયાન મઘરવાડા પાસેથી રેઢો ટ્રક મળી આવતા પોલીસે તપાસ કરતાં અલગ-અલગ લાકડાની પટ્ટીઓ ભરેલા બાચકાની આડ હેઠળ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ, ટ્રક મળી 27 લાખની મતા કબજે કરી આ દારૂ ક્યાથી આવ્યો તેમજ દારૂ મંગાવનાર અને ટ્રક ચાલક સહિતના આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.