કેન્દ્ર સરકારના સહકાર ખાતા દ્વારા વર્ષ-2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ જાહેર કર્યું છે ત્યારે રાજકોટમાં જિલ્લાની દરેક મંડળી, જિલ્લા સહકારી સંઘ અને જિલ્લા રજિસ્ટ્રાર સંઘ મંડળી દ્વારા ઉજવણી કરી સહકારિતા દ્વારા સારા રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બનીએ તેવો સંકલ્પ લીધો છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા રજિસ્ટ્રાર સંઘ મંડળી રાજકોટ તથા શિવશકિત શરાફી સહકારી મંડળી લી.ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તાલુકાની સહકારી સંસ્થાઓનો એક દિવસીય સેમિનાર યોજાયો. આ સેમિનાર ગોંડલ રોડ પરના કિષ્ના પાર્ક હોટેલમાં યોજાયો હતો. જેના અધ્યક્ષસ્થાને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિ ખુબ સારી પ્રગતિદાયક બની છે તેનું કારણ આપણે સૌ સાથે મળી કામ કરીએ છીએ, જેના કારણે જિલ્લાની સહકારી પ્રવૃત્તિ આખા રાષ્ટ્રમાં એક આગવી ઓળખ ધરાવે છે.
જિલ્લા સંઘના ચેરમેન દિનેશ ભુવાએ જણાવ્યું હતું કે, આઠ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતા ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર રાજકોટના પારડી ગામે બનાવવામાં આવશે. રાજ્યસ્તરના આ તાલીમ કેન્દ્ર કિસાન નેતાની યાદમાં વિઠ્ઠલભાઇ રાદડિયા તાલીમ ભવનના નામથી કાર્યરત કરાશે. તેમજ સહકારી આગેવાન ટપુભાઇ લીંબાસિયાએ જણાવ્યું હતું કે સહકારી પ્રવૃત્તિ એ નાના માણસોના ઉત્કર્ષ માટેની પ્રવૃતિ છે.
આ સેમિનારમાં જિલ્લા સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા, મંત્રી મનસુખ સંખાવરા, શિવશકિત શરાફી મંડળીના ચેરમેન હરગોપાલસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, ધીરૂભાઈ ધાબલિયા, ટપુભાઈ લીંબાસિયા, ડિસ્ટ્રી.બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ ગઢીયા, યજ્ઞેશભાઈ જોષી, જિલ્લા સંઘના ડિરેકટર, મહિલા સમિતિના સહ કન્વિનર બિંદિયા મકવાણા તથા સભ્યો, રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, જેતપુર તાલુકા સંઘના ચેરમેન પ્રવીણભાઈ ગજેરા, જિલ્લા ૨જિસ્ટ્રાર સંઘ મંડળ રાજકોટના ગીતાબેન જીવાણી, જનરલ મેનેજર વી.એમ.સખીયા, જિલ્લા સંઘના જયશ્રીબેન ત્રિવેદી, નાગરિક બેંકના નિવૃત ઓફિસર ડો.હિતેષભાઈ શુકલ સહિતના ઉપસ્થિત રહ્યા.