રાજકોટ શહેરમાં માર્ચ માસમાં 16 દિવસમાં ગંદા પાણી વિતરણની અધધધ 658 ફરિયાદ નોંધાઈ

રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોય આડેધડ ખોદકામનું કામ ચાલુ છે અને તેના પરિણામે જૂની જર્જરિત પાઇપલાઇનો ડેમેજ થતા માર્ચ મહિનાના 16 દિવસમાં જ લાઇન લીકેજની 467 ફરિયાદો મળી છે જ્યારે પીવાના દૂષિત પાણીની 658 ફરિયાદોનો ઢગલો થયો છે.

મનપાના કોલ સેન્ટરમાં ઉનાળામાં વોટર વર્કસ વિભાગને લગતી ફરિયાદોના આંકડામાં વધારો થયો છે. માર્ચ માસના તા.1 થી 16 દરમિયાનમાં કોલ સેન્ટરમાં વોટર વર્કસ વિભાગને લગતી કુલ 2285 ફરિયાદો મળી હતી. જેમાં સૌથી વધુ ગંદા પાણી વિતરણની 658 ફરિયાદોનો સમાવેશ થાય છે. જેમાં ન્યૂ રાજકોટમાં પ્રદૂષિત પાણી વિતરણની ફરિયાદો ચિંતાજનક હદે વધી છે. ન્યૂ રાજકોટમાં વિતરણ કરાતું પાણી પીળું હોવાની રાવ ઉઠી છે. સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે, મહાનગરપાલિકા આ 658 ફરિયાદોમાંથી માત્ર 512 ફરિયાદો ઉકેલી શકી છે જ્યારે 146 ફરિયાદો હજુ પણ તંત્ર ઉકેલી શક્યું નથી. બીજાક્રમે પાઇપલાઇન લીકેજની 467 ફરિયાદો છે. જેમાંથી 120 ફરિયાદો હજુ પણ પેન્ડિંગ છે. તેમજ પાણી ચોરી માટે ડાયરેક્ટ પમ્પિંગની 12, ભૂતિયા નળજોડાણની 6, ઓછું પાણી મળવાની 58, ધીમા ફોર્સની 310 અને જરાપણ પાણી નહીં મળ્યાની 395 ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઇ હતી. જેમાંથી ધીમા ફોર્સથી પાણી આવવાની 93 અને જરાય પાણી નહી મળ્યાની 125 જેટલી ફરિયાદો હજુ સુધી મનપા તંત્ર ઉકેલી શકયું નથી. આ ઉપરાંત વાલ્વ ચેમ્બરને નુકસાન થયાની 21, વાલ્વ લિકેજની 37, લાંબા સમય સુધી વાલ્વ ખુલ્લા રહેતા પાણીના બગાડની 21 ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઇ છે. હાલમાં નર્મદાના નીર બંધ થવાના છે ત્યારે પાણીને લગતી ફરિયાદો વધતા આગામી દિવસોમાં રાજકોટમાં પાણીની સમસ્યા તંત્ર માટે પડકારજનક બની રહે તો નવાઇ નહીં તેમ જાણકારોનો મત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *