રાજકોટમાં એટીએમ કાર્ડ બદલાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ કૃષ્ણનગરના વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલાવી ગઠીયાએ રૂ. 31 હજાર ઉપાડી લઈ છેતરપિંડી આચરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે કૃષ્ણનગર મેઈન રોડ પર આરએમસીના બગીચા પાસે રહેતા વિજયભાઈ લક્ષ્મીશંકર દવે (ઉ.63)એ જણાવ્યું હતું કે, તેઓ નિવૃત જીવન ગાળે છે ગત તા. 10ના પોસ્ટ મારફતે એસબીઆઈ બેંકનું નવું એટીએમ કાર્ડ આવેલ હોય જે એટીએમ કાર્ડ જનરેટ કરાવવા ગઈકાલે બપોરે 12 વાગ્યે મવડી ફાયર બ્રીગેડની બાજુમાં અલ્કા સોસાયટી પાસે આવેલ એસબીઆઈ બેંકમાં પીન જનરેટ કરાવવા ગયેલ અને ત્યાં મને એટીએમનો પીન જનરેટ કરતા આવડતો નથી. મારી મદદ માટે આવો કહેતા ત્યાં હાજર એક કર્મચારી એટીએમ રૂમમાં સાથે આવેલ હતો.
દરમિયાન તે કર્મચારીને અચાનક ફોન આવી ગયો અને તેઓ વાત કરવા માટે બહાર નીકળ્યા ત્યારે ત્યાં પહેલેથી જ હાજર એક અજાણ્યા શખસે કહેલું કે તમને એટીએમમાં પીન જનરેટ કરવો હોય તો હું તમને કરી આપું. જેથી તેમને એટીએમ કાર્ડ આપતા તેને પીન જનરેટ કરી આપેલ હતો. ત્યારે તેઓના મોબાઈલમાં ઓટીપી આવેલ તે અજાણ્યા શખસને દેખાડેલ હતો. બાદમાં અજાણ્યા શખસે કહેલ કે તમારૂ એટીએમ જનરેટ થઈ ગયેલ છે. હવે તમારા પૈસા એટીએમમાંથી ઉપડશે. કહી તે ત્યાંથી નીકળી ગયેલ હતો. બાદમાં તેઓએ એટીએમ મશીનમાં નાખતા કોઈ પ્રોસેસ થયેલ નહી જેથી તેઓ તુરંત જ બેંકમાં ગયેલ તે દરમિયાન તેમના ફોનમાં અલગ અલગ મેસેજ આવેલ તેમાં કુલ રૂ. 31000 ઉપડી ગયેલ હતા. જેથી તેઓએ બેંકમાં તપાસ કરાવતા જાણવા મળેલ કે તેમનું એટીએમ કાર્ડ અજાણ્યો શખસ બદલાવીને પોતાનું એટીએમ કાર્ડ પકડાવી રૂ. 31 હજાર ઉપાડી ઠગાઈ કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.