અમદાવાદની વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના મુસાફરોના પણ મૃત્યુ પામ્યા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ લઈને કરાશે. ત્યારે રાજકોટના મૃતક મુસાફરોના ડીએનએ લેવા સહિતની કામગીરી માટે રાજકોટથી અધિકારીઓની ટીમ અમદાવાદ પહોંચી છે તેમ રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવતી, પડધરી તાલુકા મામલતદાર કેતન સખિયા અને અન્ય બે નાયબ મામલતદારોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમને ડીએનએ લેવા ઉપરાંત પીડિત પરિવારને શકય તમામ મદદ પૂરી પાડવા માટે તાકીદ કરાઈ છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત નરસિંહભાઈ સગપરિયા અને મુકતાબેન ડાંગર એમ કુલ ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. મૃતક મુસાફરોના ડીએનએ ટેસ્ટ સહિતની કામગીરી થયા બાદ અને મૃતદેહોની ઓળખવિધિ થયા બાદ તેમના પાર્થિવદેહને ખાસ વાહન મારફતે રાજકોટ લાવવા સુધીની વ્યવસ્થા તેઓ સંભાળશે.