મવડીના ચાંદીકામના વેપારીએ ભૂપેન્દ્ર રોડ પર દુકાનમાં ઘઉંના ટીકડાં પી આપઘાત કર્યો

ગુરુપ્રસાદ ચોક નજીક રહેતા ધંધાર્થીનો ભૂપેન્દ્ર રોડ પર ઇગલ કોમ્પ્લેક્સમાં આવેલી પોતાની દુકાને ઘઉમાં નાખવાના ટીકડાં પી આપઘાત કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ‘મારાથી કમરના દુખાવાની દવાનો ઓવરડોઝ લેવાઈ ગયો હોવાથી, મને ગભરામણ થાય છે.’ કહી પાડોશી દુકાનદારને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું’તું.

શહેરના ગુરુપ્રસાદ ચોક પાસે, મવડી પ્લોટમાં રહેતા અશોકભાઈ મુળજીભાઈ સોની(ઉં.વ.53) નામના આધેડે ભૂપેન્દ્ર રોડ પર ઇગલ કોમ્પ્લેક્સમાં આવેલી પોતાની જ દુકાને ઘઉંમાં નાખવાના ટીકડાં પી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં મોત નીપજતાં મૃતકના પરિવારમાં શોક છવાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝન પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.

એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વડનગરાએ જણાવ્યું હતું કે, મૃતકને ભૂપેન્દ્ર રોડ પર ઇગલ કોમ્પ્લેક્સમાં મંગલમ મેન્યુફેક્ચર નામની ચાંદીકામની દુકાન છે. જ્યાં તેમણે પગલું ભર્યું હતું. દવાના ટીકડાં પીધા બાદ પાડોશી દુકાનદાર હરેશભાઈને બોલાવી, ‘મારાથી કમરના દુખાવાની દવાનો ઓવરડોઝ લેવાઈ ગયો હોવાથી, મને ગભરામણ થાય છે.’ એમ કહી હોસ્પિટલ પોતાને લઈ જવાનું કહ્યું હતું. પરિવારને અશોકભાઇએ શા માટે આપઘાત કર્યો તેની કોઈ જાણ ન હોવાથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક મૂળ અમરેલી જિલ્લાના દેવગામના વતની હતા તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *