યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકથી જે. કે. ચોક વચ્ચે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની શિવશક્તિ કોલોનીમાં રહેણાક હેતુની જગ્યામાં કોમર્સિયલ બાંધકામ ખડકી ભાડે દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ હજુ સુધી સરકારી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર નોટિસ આપવા જેવી કાર્યવાહીમાં 9 મહિના જેટલો સમય વ્યતિત કરી દીધા બાદ હવે દબાણ અંગેનો રિપોર્ટ ગાંધીનગર કરાયાનું સ્થાનિક કચેરીના સૂત્રોએ જણાવ્યું છે.
યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેણાક હેતુના સ્થળે કોમર્સિયલ બાંધકામો ખડકી દેવાના પ્રકરણમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 135 જેટલા કૌભાંડીને નોટિસ આપી દસ્તાવેજી આધારો માગ્યા હતા અને તેના માટે 10 દિવસનો સમય આપ્યો હતો. આ નોટિસ ઇસ્યૂ થયા બાદ કૌભાંડીઓ સુધી પહોંચાડવામાં એક મહિના કરતાં વધુ સમય વ્યતિત કરી દેવાયો હતો અને બાદમાં નોટિસ દબાણકારોને ઇસ્યૂ કરવામાં આવી હતી.
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના સૂત્રોએ જણાવ્યા અનુસાર શિવશક્તિ કોલોનીના કબજેદારોએ તેમને અપાયેલી નોટિસનો જવાબ અને જે આધાર-પુરાવા રજૂ કર્યા છે તેનો રિપોર્ટ હવે પોતાના જવાબ રજૂ કરી દીધો છે. આ રિપોર્ટ ગાંધીનગર વડી કચેરીને મોકલી દેવાયો છે અને ત્યાં એકાદ-બે દિવસમાં વડી કચેરીને મળી જશે તેમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.