દુષ્કર્મના આરોપીએ જામીન પર છૂટી મહિલા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી દીધી

શહેરમાં રહેતી 28 વર્ષની મહિલા પર અગાઉ તેના પાડોશીએ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું. જામીન પર છૂટ્યા બાદ આરોપીએ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી મહિલા પર હુમલો કરી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. દુષ્કર્મનો અગાઉ ભોગ બની ચૂકેલી 28 વર્ષની મહિલાઅે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોડ પરના વિવેકાનંદનગરમાં રહેતા યોગેશ નરેન્દ્ર જીવરાજાનીનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને નવ વર્ષની પુત્રી છે અને પાંચ મહિના પહેલાં તેના છૂટાછેડા થઇ ગયા છે. ગત તા.21ના તેની પુત્રી મવડી વિસ્તારમાં સંબંધીના ઘરે હોય તેને તેડવા માટે સાંજે મવડીમાં ગઇ હતી ત્યારે અચાનક જ રસ્તામાં યોગેશ નરેન્દ્ર જીવરાજાની ધસી આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, ‘તે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ મારી વિરુદ્ધ ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજે નહીંતર તને અને તારી પુત્રીને જાનથી મારી નાખીશ’ ધમકી આપ્યા બાદ યોગેશે મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો. મહિલાએ સમગ્ર ઘટના અંગે કહ્યું હતું કે, પોતે અગાઉ તેના પતિ સાથે રહેતી હતી અને પતિ ડ્રાઇવિંગ કરતો હતો, પતિ બહારગામ ગયો હતો ત્યારે એક રાત્રીના પાડોશી યોગેશ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો અને તેનો વીડિયો ઉતારી લઇ સતત બ્લેકમેઇલ કરતો હતો. યોગેશની ધમકીને કારણે અગાઉ મહિલા તેના પતિને છોડીને જૂનાગઢ રહેવા જતી રહી હતી અને યોગેશે ત્યાં રૂમ ભાડે રાખી દીધો હતો. મહિલાના પતિને આ અંગે જાણ થતાં યોગેશે મહિલાને સુરત જતી રહેવા કહ્યું હતું. જોકે બાદમાં યોગેશે મહિલા સાથે સંપર્ક તોડી નાખ્યા હતા. યોગેશે શારીરિક અત્યાચાર કર્યો હોય મહિલાએ યોગેશ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી યોગેશની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. હવે જામીન પર છૂટ્યા બાદ ફરીથી હુમલો કરતાં યોગેશ સામે મહિલાએ વધુ એક ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *