ગુજરાતની એકમાત્ર આરોગ્યની આંતરરાષ્ટ્રીય સુવિધા યુક્ત AIIMS હોસ્પિટલ રાજકોટને મળેલી છે અને આ એઇમ્સ હાલ જામનગર રોડ ઉપર પરાપીપળીયામાં સ્થિત છે. રાજકોટથી AIIMS હોસ્પિટલ જતા દર્દીઓ તેમજ આસપાસના ગ્રામજનોને પરાપીપળીયાનું રેલવે ક્રોસિંગ કાયમ નડે છે, જેને લીધે દર્દીઓને તેમજ ગ્રામજનોને પારાવાર મુશ્કેલી ભોગવી પડે છે. ત્યારે હવે લોકોની આ મુશ્કેલી દૂર થશે.
રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટથી એઇમ્સ હોસ્પિટલ જવાના માર્ગ ઉપર રૂ.40 કરોડનાં ખર્ચે રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. 1000 મીટર લાંબો અને 17.17 મીટર પહોંળો ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્રણ મહિના બાદ બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ થશે અને ત્યારબાદ 18 મહિનામાં રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ તૈયાર થઈ જશે. આ બ્રિજ બનતાની સાથે જ રાજકોટથી AIIMS ઉપરાંત પરાપીપળીયા, આણંદપર અને ખંઢેરી દૈનિક જતા અને આવતા અંદાજે 5000થી વધુ લોકોને ફાયદો થશે.
કળથીયા કન્સ્ટ્રક્શન નામની કંપનીને ટેન્ડર અપાયું રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ. આર. પટેલે જણાવ્યું હતું કે, રાજકોટથી AIIMS હોસ્પિટલ તેમજ પરાપીપળીયા, આણંદપર અને ખંઢેરી ગામમાં જતા અને ત્યાંથી દરરોજ રાજકોટ આવતા દર્દીઓ તેમજ ગ્રામજનોને પરા પીપળીયા રેલવે ક્રોસિંગના લીધે મુશ્કેલી પડી રહી છે. જેથી હવે અહીં પરાપીપળીયા-ખંઢેરી રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરવામાં આવશે, તે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. કળથીયા કન્સ્ટ્રક્શન નામની કંપનીને આ ટેન્ડર આપવામાં આવેલું છે.