રાજકોટ સિવિલના વોર્ડ-2માં દાખલ દર્દી વોર્ડ-10ના રસોડા પાસે ધ્રૂજતો-અર્ધનગ્ન હાલતમાં મળ્યો

રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને તંત્રની બેદરકારી અંગે સવાલો ઊઠી રહ્યા છે. ચાની દુકાન પાસેથી મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે 11.30 વાગ્યે કરવામાં આવી હતી.

જોકે, બાદમાં સવારે 6 વાગ્યા આસપાસ આ દર્દી વોર્ડ નંબર 10નાં રસોડા પાસે પડ્યો હોવાની જાણ હેલ્પડેસ્કને કરવામાં આવતા ફરીથી તેને સારવાર માટે ખસેડાયો હતો. સમગ્ર મામલે એડિશનલ સિવિલ અધિક્ષક ડો. હેતલ ક્યાડાએ સીસીટીવી ચકાસી જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.

પ્રાપ્ત વિગત મુજબ, 19 નવેમ્બરે બપોરના 3-30 વાગ્યે અવધના ઢાળિયા પાસેની એક ચાની દુકાન નજીકથી 35 વર્ષીય યુવક શરીરે મારનાં નિશાન સાથે ચાલતાં-ચાલતાં પડી ગયાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. સાંજના ચારેક વાગ્યાની આસપાસ યુવાનને સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયો હતો. સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરાયેલ યુવક રાત્રિના 11-30 વાગ્યે સર્જરી વોર્ડમાંથી નાસી ગયાની હોસ્પિટલ દ્વારા પોલીસ ચોકીમાં એન્ટ્રી કરાવાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *