રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા નામચીન હકુભા ખિયાણીએ માત્ર 14 વર્ષની તરૂણીનું અપહરણ કરી તેની ઉપર બે-બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બી-ડિવિઝન પોલીસે અકબર ઉર્ફે હકુભા ખિયાણી, મીરજાદ ખિયાણી, સોની એજાજ ખિયાણી, ખતુ ખિયાણી અને જુમા ઠેબા સહિત કુલ 5 લોકો સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ 3 આરોપીની ધરપકડ કરી ફરાર બે મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પૈસાની ઉઘરાણી કરી
ભોગ બનનાર સગીરાની માસીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની મોટી બહેનનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી તેની બહેન ચાર પુત્રી અને એક પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી તેની માતાના ઘરે રહે છે. તેના નાનાભાઈએ એક વર્ષ પહેલા એઝાઝ હકુભા ખિયાણીની પત્ની સોની પાસેથી રૂ.એક લાખ વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ પણ ચુકવતો હતો. ત્યાર બાદ રકમ પરત કરી દીધી હતી. આ પછી સોની અને એઝાઝના છૂટાછેડા થઈ જતા હકુભાના પુત્ર મીરજાદે સાગરીતો સાથે તેના ઘરે આવી રૂ.એક લાખની ઉઘરાણી શરૂ કરી હતી.
નવરાત્રિ વખતે હકુભા અને તેના પુત્ર મીરઝાદ ઉપરાંત અન્યોએ તેની માતાના ઘરે આવી તેની ભાણેજની ચુંદડી ખેંચી, ધમકી આપી હતી. જેથી તેની ભાણેજે ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. બે દિવસ પહેલાં હકુભા, તેની પુત્રવધૂ, સોની અને પુત્ર મીરઝાદે તેની માતાના ઘરે આવી તેની ભાણેજે કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જો ફરિયાદ પાછી ન ખેંચાય તો તેની ભાણેજ ઉપર દુષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી.
મારકૂટ કરી ઈજ્જત લૂંટી
શનિવારે સવારે તે તેની માતાના ઘરે હતી. ત્યારે હકુભા અજાણ્યા શખસ સાથે ત્યાં ધસી આવ્યો હતો. આવીને તેણે તેની ભાણેજે કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું કહી, ગાળો ભાંડી હતી. બાદમાં ધમકાવી તેને તેની ભાણેજને બળજબરીથી કારમાં બેસાડી ધાક-ધમકી આપી ચૂપ કરાવી હતી. ત્યાર બાદ ભગવતીપરા સુખસાગર સોસાયટી આગળ આવેલી એક વાડીમાં લઈ જઈ ત્યાં તેની ભાણેજને કારમાંથી ઉતારી હતી. જ્યારે તેણે તેની અન્ય ભાણેજ અને પુત્રને કારમાં પુરી દીધા હતા. બાદમાં તેની ભાણેજ સાથે મારકૂટ કરી તેની નજર સામે તેની ઈજ્જત લૂંટી હતી.