પ્રેગ્નન્સી નહીં રહેતા નવોઢાને પતિસહિતના સાસરિયાં મારકૂટ કરતા

નવ મહિનાના લગ્નજીવન દરમિયાન પ્રેગ્નન્સી નહીં રહેતા પતિ સહિતના સાસરિયાઓએ નવોઢાને મારકૂટ શરૂ કરી હતી, ત્રાસથી કંટાળી નવોઢાએ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ભાઇ-ભાભી ખબરઅંતર પૂછવા આવ્યા તો પણ નવોઢાને મારકૂટ કરી હતી.

કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમ પાસે પિયરમાં રહેતી અલ્પા રંગાણી (ઉ.વ.40)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આસ્થા વેન્ટિલામાં રહેતા પતિ રવિ વેલજી રંગાણી, દિયર સાગર રંગાણી અને સાસુ મંજુ વેલજી રંગાણીના નામ આપ્યા હતા. અલ્પાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવ મહિના પહેલા તેના લગ્ન રવિ રંગાણી સાથે થયા હતા. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. છેલ્લા સાત મહિનાથી પ્રેગ્નન્સી રહેતી નહીં હોવાથી સાત મહિનાથી પતિ, સાસુ અને દિયર અસભ્ય વર્તન કરતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા, પિયર પણ જવા દેતા નહોતા. પતિ સહિતના સાસરિયાંના ત્રાસથી કંટાળી ગત તા.22 માર્ચના અલ્પા ઘર નજીક આવેલા કૂવામાં પડી હતી જેથી જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી. આપઘાતનો પ્રયાસ કરનાર અલ્પાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 15 એપ્રિલે અલ્પાની ખબર પૂછવા તેના ભાઇ ભાભી ઘરે ગયા હતા તે પણ પતિ સહિતના સાસરિયાને ગમ્યું નહોતું અને અલ્પાને મારકૂટ કરી હતી, અંતે અલ્પાને તેના પીયરિયાઓ લઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *