રાજકોટના એડવોકેટ સંજય પંડિત સામેના દુષ્કર્મ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં રાજકોટના જ બિલ્ડર કમલેશ રામાણી સહિતની ટોળકીએ તેમને ખોટી રીતે ફસાવ્યાના આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદી યુવતી તથા અન્ય લોકોના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે એડવોકટ પંડિતની ફરિયાદ ધ્યાને લઈ પોકસો કોર્ટે પોલીસને તપાસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.
વર્ષ 2023માં સમગ્ર રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા બનાવ કે જેમાં રાજકોટ તથા હાઇકોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ સંજય પંડિત વિરુદ્ધ રાજકોટના એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.10.05.2023ના રોજ એક યુવતીએ એડવોકેટ સંજય પંડિત વિરુદ્ધ દુષ્કર્મ તથા પોકસો એક્ટની ગંભીર કલમો મુજબની ફરિયાદ આપી હતી, જેમાં એડવોકેટની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બનાવ બાદ એડવોકેટ પંડિતે પોતાના વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ ખોટી અને ઉપજાવી કાઢેલ હોવા અંગે અને બિલ્ડર કમલેશ રામાણી તથા તેના મળતીયા મનોજ ગઢવી દ્વારા તેને ફસાવવામાં આવેલ હોવા અંગે તથા યુવતીએ ફરિયાદ પંડિતના વિરોધીઓ પાસેથી આર્થિક લાભ મેળવીને કરી હોવા અંગે રજૂઆત પોલીસને કરી પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.
પોતાની નિર્દોષતા માટે નાર્કો ટેસ્ટ પણ કરાવવા તૈયારી બતાવેલ પરંતુ પોલીસ કોઈ વાત ધ્યાને લીધેલ નહીં. ત્યારબાદ એડવોકેટ પંડિતએ આ યુવતી અને અન્યો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરેલ હોવા અંગે જેલમાંથી લેખિત ફરિયાદ પોલીસને મોકલાવેલ જેમાં પોલીસ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ આપી હતી. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા હવે રાજકોટ પોકસો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદમાં યુવતી સિવાય બજરંગવાળી વિસ્તારમાં રહેતા ગીતાબેન વિજયકુમાર બિરવાણી, વિજયકુમાર સુરેન્દ્રસિંહ બિરવાણી, મોરબી રોડ ઉપર રહેતા બલભદ્ર ઉર્ફે બાલો પરમાર, દીપકભાઈ ભગવાનજીભાઈ ઠુંમર, બિલ્ડર કમલેશ વશરામભાઈ રામાણી, ભોજલરામ સોસાયટીમાં રહેતો મનોજ ઉર્ફે મુન્નો રામભાઇ ગઢવી તથા તપાસમાં ખૂલે તે તમામ વિરુદ્ધ પોકસો એક્ટની કલમ 22, બી.એન.એસ.ની કલમ 248, 231, 233, 356(1), 54, 61(2) મુજબની ફરિયાદ આપેલ છે. જે અનુસંધાને કોર્ટે રાજકોટ એ ડિવિઝન પોલીસને તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ રાખવાનો હુકમ કરેલ છે.