“સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-2025’ તથા “કેચ ધ રેઈન 2.0’ અંતર્ગત જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા આટકોટ ગામે રૂ.3.39 કરોડના ખર્ચે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે “સુજલામ સુફલામ જળ સિંચાઈ અભિયાન’ અન્વયે રાજ્યના તળાવો ઊંડા કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ જિલ્લાના તમામ તળાવ ઊંડા કરાશે અને હાલમાં જસદણ તાલુકામાં “સૌની યોજના” થકી બુંઢણપરી નદી સજીવન કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી તથા ગામ લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
“સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-2025’ તથા “કેચ ધ રેઈન 2.0’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં 5 તળાવોને લોક ભાગીદારી દ્વારા ઊંડા ઉતારવામાં આવશે અને આ તળાવને ઊંડા ઉતારવાની કામગીરી દરમિયાન તેમાંથી નીકળતી માટી ખેડૂતો સ્વખર્ચે 31મી મે સુધી લઈ જઈ શકશે.
રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા ભાદર નદીની સહાયક નદી બુંઢણપરી નદી ઉપર નવું તળાવ બનાવવામાં આવશે, જે અન્વયે સરકાર દ્વારા રૂ.3.39 કરોડના ખર્ચે સ્પીલ વે બનાવવામાં આવશે.જે અંતર્ગત સુચિત સાઈટ ઉપર જમણી અને ડાબી તરફ બન્ને બાજુ આવેલા નેચરલ કાંઠા, જમણી બાજુથી 310 મીટર અને ડાબી બાજુ 320 મી. લંબાઈ અને પહોળાઈમાં માટીનો પાળો કરી બન્ને કાંઠા ઉંચા લઈને તેના પર પથ્થરોનું પીચીંગ કરાઇ રહ્યું છે. આ તળાવ બનવાથી આટકોટ, ખારચીયા, કાનપર અને વિરનગરને આ પાણીનો સીધો લાભ મળશે તથા આજુબાજુનો વિસ્તાર પણ રીચાર્જ થશે, જસદણ વિસ્તારમાં અંદાજિત 509 લાખ લીટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે.