રાજકોટ શહેરના રૈયારોડ પર આવેલા નવઘણ ચા પાસે મારા ભાઈની પત્ની સામે કેમ જુએ છે કહી રિક્ષાચાલક પર કચરા બંધુઓએ ધોકા અને પાઈપથી ખૂની હુમલો કરતાં રિક્ષાચાલકનું કપાળ અને નાકનાં હાડકાં ભાંગી નાખ્યાં હતાં, જેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના રૈયારોડ પર હનુમાન મઢી પાસે રામનગર શેરી નં.3માં રહેતાં સલીમભાઈ અબ્દુલભાઈ કારિયાણિયા (ઉં.વ.61)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઈમરાન રમજાન કચરા, અખ્તર સોક્ત કચરા, આફતાબ રફીક કચરાનાં નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. તેમને સંતાનમાં બે પુત્ર, જેમાં ઇમરાન (ઉં.વ.37) અને અલ્તાફ (ઉં.વ.34) તેમજ એક પુત્રી છે. અલ્તાફ હાલ ઓટોરિક્ષા ચલાવે છે અને તેની પત્નીનું દોઢેક વર્ષ પહેલાં અવસાન થયેલું છે. ગઇકાલે સાંજના 7 વાગ્યે તે ઘરે હતો. ત્યારે તેના મિત્ર ઇમ્તિયાઝ પઠાણનો ફોન આવેલો અને જણાવેલું કે તમારા દીકરા અલ્તાફને નવઘણ ચા પાસે કોઇએ માર માર્યો છે. તમે જલદી આવો એમ વાત કરતાં તેઓ એક્ટિવા લઇ નવઘણ ચા પાસે ગયેલા. ત્યારે ત્યાં માણસો ભેગા થઇ ગયેલા હતા.