થોડા દિવસ પહેલા કચ્છની ગળપાદર જેલમાં કેદીઓને સુવિધા અપાતી હોવાનો ભાંડો ફૂટ્યા હતો. જે બાદ જેલમાં બંધ કુખ્યાત આરોપી યુવરાજસિંહ જાડેજા સહિતના કેદીઓની જેલ બદલી કરવામાં આવી છે. ત્યારે રાજકોટની જેલમાં બંધ હત્યાના આરોપીને જેલના સ્ટાફ દ્વારા સુવિધા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કોર્ટ મુદ્દતે ગયેલો હત્યાનો આરોપી દારૂ પીધેલી હાલતમાં પકડાતા આરોપી અને કોન્સ્ટેબલ વિરુદ્ધ જેલર દ્વારા ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમનનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ મધ્યસ્થ જેલનાં ઈન્ચાર્જ જેલર ગ્રુપ-2 વી. કે. પારઘીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.25.07.2024ના રોજ અમારી ફરજ ડ્યુટી જેલર તરીકે હતી. દરમિયાન આશરે 5 વાગ્યે જેલના મેઇનગેટ પર ફરજ બજાવતા હવાલદાર હિતેષભાઈ એમ. વાજાએ મને જાણ કરી હતી કે, પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ શહેરના પોલીસ કોન્સ્ટેબલ બ.નં.1032 પરેશ મનસુખભાઈ વાઘેલા જેલના કાચા કામના આરોપી અવેશ અયુબભાઇ ઓડિયાને રાજકોટની કોર્ટ મુદ્દતે રજી કર્યો હતો અને સાંજના આશરે 4.40 વાગ્યે પરત લાવી જમા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ દ્વારા કેદીની તપાસ કરતા મોઢામાંથી દુર્ગંધ આવતા જેલના મેડિકલ ઓફિસર દીલાવર ઉડનપૌત્રાને બોલાવી આરોપીની ચકાસણી કરાવતા તે કેફી પીણુ પીધેલો હોવાનું સામે આવતા જેલ રજી. નં. 3232માં નોંધ કરી છે.