રાજકોટમાં પાનની કેબિન પાસે ગાંજો પીવાની મનાઈ કરતા વેપારીની હત્યા

રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર પાનની દુકાન નજીક ગાંજો પીવાની મનાઈ કરતાં 5 શખ્સોએ વેપારીને છરીના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી. આ ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં 4 શખ્સોની ધરપકડ કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
ગત તારીખ 15 ઓગસ્ટની રાત્રે 10 વાગ્યા આસપાસ મૃતક વિજય બાબરીયા (ઉ.વ.35) નામના વેપારીની પાનની કેબિન નજીક 5 જેટલા શખ્સો ગાંજો પી રહ્યા હતા અને ગાળો બોલી રહ્યા હતા. વિજયે આ ત્રણેય શખ્સોને ગાંજો પીવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાયા હતા અને વિજયને અપશબ્દો કહીને ધમકી આપી હતી કે, કાલે તને જોઈ લેશું અને આ ધમકી મુજબ 16 તારીખે સવારે 11 વાગ્યા આસપાસ ત્રણથી ચાર જેટલા શખ્સો આવીને વિજય પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

વિજયને આ શખ્સોએ ગળા, છાતી અને પેટનાં ભાગે 7-8 છરીના ઘા ઝીંકી દેતા વિજય ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં વિજયના ભાઈ અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને વિજયને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિજયની હત્યા નીપજાવનાર આ 5 શખ્સોની પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *