રાજકોટ નાગરિક સહકારી બેંક ખાતે તમામ સહકારી અગ્રણીઓની બેઠક મળશે

સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને આરબીઆઇના ડાયરેક્ટર આજે રાજકોટની મુલાકાતે છે. સહકારી કાર્યકર્તાઓને માર્ગદર્શન તથા સહકારી ક્ષેત્રના વર્તમાન પ્રવાહો અંગે જાણકારી મળે એવા હેતુથી સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત સહકારી અગ્રણીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય જોષી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંજય પાંચપોર અને આરબીઆઇના ડાયરેકટર સતીશ મરાઠે આજે 15 એપ્રિલને મંગળવારે રાજકોટની મુલાકાતે છે. જે રાજકોટની અગ્રગણ્ય સંસ્થાઓની મુલાકાત લેશે તથા સાંજે સૌરાષ્ટ્રના સહકારી અગ્રણીઓ સાથે સંવાદ કરશે. સહકાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ મહેશભાઈ પટેલ, મહામંત્રી જેન્તીભાઈ કેવટના માર્ગદર્શન નીચે સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરિયા તથા રાજકોટ સહકાર ભારતી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠક 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસે આવેલી નાગરિક સહકારી બેંક ખાતે બપોરના 4 કલાકે યોજાશે. અધિકારીઓના આ પ્રવાસ અને સહકારી સંવાદને સફળ બનાવવા રાજકોટ મહાનગર અધ્યક્ષ ડો.એન. ડી. શીલુ, મહામંત્રી જયેશ સંઘાણીની ટીમે જહેમત ઉઠાવી છે.

સહકાર ભારતી એ 1979થી સમગ્ર ભારતના સહકારી ક્ષેત્રમાં કાર્યરત અખિલ ભારતીય સંગઠન છે. 11 જાન્યુઆરી 1979ના રોજ તેની સ્થાપના થઈ હતી. ‘વિના સસ્કાર, નહીં સહકાર’ એ સહકાર ભારતીનો બીજ મંત્ર છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારતમાં કાર્યરત સહકાર ભારતી એ બહુઆયામી, સાર્વજનિક, બિનરાજકીય, સ્વૈચ્છિક સંગઠન છે. સહકારી ક્ષેત્રમાં તે મિત્ર, માર્ગદર્શક અને તત્વચિંતકની ભૂમિકાથી સહકારિતાની શુધ્ધિ, વૃધ્ધિ તેમજ સમૃધ્ધિ માટે સંપર્ક, સેવા અને સમર્પણ આ ત્રણ સૂત્રોને ધ્યાનમાં રાખીને સહકારી ક્ષેત્રમાં સંખ્યાત્મક વૃધ્ધિ સાથે સાથે ગુણાત્મક પરિવર્તન માટે સતત કાર્યરત સેવાવ્રતી કાર્યકતાઓનો ખુલ્લો મંચ છે. હાલમાં તે દેશના 28 રાજ્યોના 650થી વધારે જિલ્લામાં કાર્યરત છે. દેશ તથા સમાજનો સર્વાંગીણ વિકાસ માત્ર સંગઠિત શક્તિ દ્વારા જ થઈ શકશે એવા વિચાર સાથે સહકાર ભારતીના હજારો જવાબદાર કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના વિકાસ માટે કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *