ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાંક મકાનમાંથી અડધી સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા LCB બ્રાન્ચ મોટા મહીકા દોડી ગઇ હતી અને બનાવ શંકાસ્પદ હોય મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો. આજે સાંજે ખંઢેર જેવા મકાનમાં અર્ધ સળગેલી લાશ પડી હોવાની જાણ પોલીસને થઈ હતી. ઉપરાંત ગોંડલથી સેવાભાવી યુવાનો જય માધડ સહિત માર્કેટીંગ યાર્ડની એમ્બ્યુલન્સ લઈ મોટા મહીકા દોડી ગયા હતા.
ગ્રામજનોનાં કહેવા મુજબ મૃતકનું નામ હસમુખ મુળશંકર વ્યાસ ઉ.વ.46 છે. હાલ રાજકોટ સદગુરુ સોસાયટી મોરબી રોડ પર રહે છે. વધુમાં મૃતકે બે લગ્ન કર્યા છે પહેલા લગ્નથી સંતાનમાં એક દિકરો તથા દિકરી છે. બીજી પત્નિ સાથે રાજકોટ રહે છે. ખંઢેર બનેલુ મકાન તેના બાપદાદા સમયનું છે પણ કોઇ રહેતુ નથી.
મૃતક 26 ડિસેમ્બરનાં મોટા મહીકા આવ્યો હતો અને આજુબાજુ પાડોશી પાસેથી કોથળો માંગ્યો હતો. તે અવારનવાર ગામમાં માતાજીનો મઢ હોય દર્શન કરવા આવતો હતો. એ તાલુકા પીઆઇ જે.પી.રાવે જણાવ્યું કે મૃતક ઘટના સ્થળે જ સળગ્યો છે. ખંઢેર જેવા રહેણાંકમાં જ્યાં સળગ્યો છે ત્યાં નજીકનાં વૃક્ષનાં પાંદળા સળગેલા છે. મૃતકે આત્મહત્યા કરી કે કોઈએ તેની સળગાવી દઇ હત્યા કરી એ અંગે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. બનાવનું કારણ ફોરેન્સિક રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે તેવું જણાવ્યું હતું.