શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે કપડાની દુકાનના સંચાલકના ભાઇએ રાખેલ રોકડ તેમજ ધંધાની રકમ મળી કુલ રૂ.1,36,800ની બે જ મિનિટમાં ચોરી થઇ ગઇ હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ બે મિનિટમાં ખેલ પાડી નાસી ગયો હતો.
ચોરીની ઘટના અંગે મવડીની ગિરનાર સોસાયટીમાં રહેતા અને સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલી ગેંગસ્ટર મેન્સવેર નામની દુકાનમાં નોકરી કરતા અને દુકાનનું સંચાલન કરતાં વિવેક બાબુભાઇ ઘેડિયા (ઉ.વ.25)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.10 એપ્રિલના તેનો મોટોભાઇ મીત ઘેડિયા દુકાને આવ્યો અને મીતે રૂ.1.35 લાખ બે દિવસ સાચવવા દુકાનના કેશ કાઉન્ટરમાં રાખ્યા હતા.
તા.12ના બંને ભાઇએ કાઉન્ટર ખોલ્યું તો રૂ.1.35 લાખ જોવા મળ્યા નહોતા, રૂ.1800 ઉપરના ખાનામાં રાખ્યા હતા તે પણ ગાયબ હતા. સીસીટીવી ફુટેજ ચેક કરતાં તા.12ના 9.30 વાગ્યે એક શખ્સ સિક્યુરિટીના યુનિફોર્મમાં ગ્રાહક બનીને આવ્યો હતો તે શખ્સે મોઢે માસ્ક બાંધ્યું હતું, રણવીર ઉર્ફે રાણો ગ્રાહક દુકાનમાં હોવા છતાં સાફસફાઇ કરી કચરો દુકાનની બહાર ફેંકવા જાય છે.ત્યારે શખ્સ રોકડ રતફડાવી નાસી ગયો હતો.