શહેરમાં ન્યૂ જાગનાથ પ્લોટમાં રેર જેમ્સ નામે ગ્રહોના સ્ટોનના વેપારીની દુકાનમાંથી રૂબિ સ્ટોન શિવલિંગ ગ્રાહકને બતાવવા માટે દલાલીનું કામ કરતો શખ્સ લઇ ગયો હોય જેની વેપારીએ ઉઘરાણી કરતા શખ્સના પુત્રએ તલવાર સાથે દુકાનમાં ધસી આવી તું કેમ શિવલિંગની ઉઘરાણી કરે છે.? કહી ધમાલ મચાવી વેપારી અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
રાકેશભાઇ મનસુખભાઇ ઝાલાવડિયાએ મુનુખાન યુસુફખાન પઠાણ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ન્યૂ જાગનાથ પ્લોટમાં માધવ બંસી એપાર્ટમેન્ટમાં રેર જેમ્સ નામે ગ્રહોના સ્ટોનની દુકાનમાં વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું. તેની દુકાને આવતા અને દલાલીનું કામ કરતા હનીફભાઇ પઠાણને દોઢેક માસ પહેલા હનીફભાઇ રૂબિ સ્ટોન શિવલિંગ લઇ ગયા હતા અને તેને ગ્રાહકને બતાવવાનું કહી લઇ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી તેને શિવલિંગ પાછું માગ્યું હતું. દરમિયાન હનીફખાનનો પુત્ર મુનુખાન હાથમાં તલવાર સાથે ધસી આવ્યો હતો અને મારા પિતા પાસે શિવલિંગની ઉઘરાણી કરવાવાળો તું કોણ છો? તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી વેપારીએ મારે શિવલિંગની જરૂર છે તેમ કહેતા ઉશ્કેરાઇ જઇ હવે મારા પિતા પાસે શિવલિંગની ઉઘરાણી કરી તો બન્ને ભાઇઓને મારી નાખીશ કહી ધમકી આપી હોવાનું જણાવતા પીએસઆઇ બારડિયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.