અમદાવાદમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી અવારનવાર જીવાત નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે શહેરના વધુ એક જાણીતા બ્રાન્ડેડ પિઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. આ મામલે તેના મેનેજરને જાણ કરી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા માણકી સર્કલ પાસે એક્સપ્રેસ આઉટલેટમાં આવેલા રિયલ પેપ્રિકા પિઝા સેન્ટરમાં નિખિલ નામનો યુવક બર્ગર અને પિઝા ખાવા માટે ગયો હતો. તેણે એક બર્ગર અને પિઝાનો ઓર્ડર કર્યો હતો. તેને બર્ગર આપવામાં આવ્યું અને તેણે બર્ગરનો એક ટુકડો ખાધો હતો. ત્યારબાદ તેણે અંદર જોયું તો તેને કોઈ જીવાત હોય તેવું લાગ્યું હતું. જેથી તેણે બર્ગરની વચ્ચે જોતા ઈયળ નીકળી હતી. બર્ગરમાં ઈયળ નીકળી આવી હતી. ખાધેલું બર્ગર તેણે અધૂરું મૂકી દઈ તેણે ત્યાં હાજર મેનેજરને જાણ કરી હતી. રેસ્ટોરન્ટમાં બનતી અને આપવામાં આવતી ચીજવસ્તુઓમાં જીવજંતુઓ નીકળતા હોવા અંગેની તેમણે ફરિયાદ કરી હતી.