રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની દહેશત વધતી જોવા મળી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર પંથકમાં ફરી દીપડાએ દેખા દીધા છે. જ્યાં જીવાપર ગામે વધુ એક વખતે દીપડાએ એક વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફ્ફડાટ વ્યાપી ગયો હતો અને ત્વરીત દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી વન વિભાગ સમક્ષ માગ કરી હતી. જે બાદ પાંજરૂ મુકવામાં આવતા આજે મોડીરાત્રે દીપડો પાંજરે પૂરાય જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
રાજકોટ જિલ્લાના બામણબોર ગામે જીવાપર ગામ પાસે રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ બાબુભાઈ મોહનભાઈ મેરની વાડીના માલ ઢોર બાંધવાના વાડામાં ગુરૂવારની મોડીરાત્રે દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હતું. આ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી દીપડાનો ત્રાસ હોવાની ફરિયાદ ગ્રામલોકોએ વનવિભાગને કરી હતી. થોડા દિવસો પૂર્વે દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી. જેથી, લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ ફરી જીવાપર બામણબોર પંથકમાં દીપડાએ દેખા દેતા અને વારંવાર પશુઓનું મારણ કરવામાં આવતું હોવાથી ગામના લોકો ભયભીત થઈ ગયા હતા.