શહેરમાં યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી હોસ્પિટલ પાસે શાંતિનગર મફતિયાપરામાં ઝૂંપડામાં રહેતા અને ભંગારના ધંધાર્થી યુવાનને પાડોશમાં રહેતા મહિલા સહિત સાથે હલણના મામલે માથાકૂટ થતાં ઝૂંપડું મૂકી યુવાન તેના પરિવાર સાથે બહાર ચાલ્યા જતા તેના રેઢા ઝૂંપડામાં આગ ચાંપી દેતા સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
શાંતિનગર મફતિયાપરામાં ઝૂંપડામાં રહેતા રવિભાઇ મકવાણાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે શિલ્પા અમરભાઇ ભોણિયા, સુખો લામકા અને સંજય લામકાના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક માસ પહેલાં અમે ઝૂંપડું બનાવી રહેતા હોય જેથી પાડોશના લોકોને ચાલવાનો રસ્તો હોય પાડોશી સુખો લામકાએ હલણના મામલે ઝઘડો કર્યો હતો. જેથી મારા માતા-પિતા, બહેન સહિતના અમે જતા રહ્યા હતા અને નાણાવટી ચોકમાં હતા ત્યારે પાડોશી રવિનાબેને ફોન કરી વાત કરી હતી કે, સંજય લામકા, સુખો લામકા અને શિલ્પા ભોણિયાએ આવી ઝૂંપડામાં કોઇ પ્રજ્વલિત થાય તેવો પદાર્થ છાંટી આગ ચાંપી હોવાનું જણાવતા અમે પરિવાર સહિત ત્યાં પહોંચતા ઝૂંપડામાં અમારી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હોય ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.