રથયાત્રા પહેલાં 11મીએ જગન્નાથ મંદિરેથી નીકળશે ભવ્ય જળયાત્રા

27 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની વિધિવત શરૂઆત જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રાથી થાય છે. રાજકોટમાં નાનામવા ખાતે આવેલ જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ તા.11ને બુધવારના જ ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાનામવા ગામના કૂવે પાણી ભરવા માટે જશે જે પાણી અને કેસર ચંદનથી મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરાવવામાં આવશે.

આ જળયાત્રામાં બાળાઓ-બહેનો, સાધુ-સંતો અને ભક્તજનો જોડાશે. ધાર્મિક પરંપરા મુજબ ભગવાન ભક્તોના દુ:ખ હરનારા જગતના નાથને પણ શરદી થઇ જતી હોય તેનો ઇલાજ કરવા માટે આ સ્નાન વિધિ કરવામાં આવતી હોય છે. દૂધ-કેસર અને 108 ઘડા જળથી સ્નાન કરાવ્યા બાદ નીજ મંદિરમાં પરત લાવવામાં આવે છે. દર વર્ષે પોલીસ કમિશનરના હસ્તે મહાઅભિષેક કરવામાં આવતો હોય આ વર્ષે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્તે આ અભિષેક વિધિ કરવામાં આવશે. આ જળયાત્રા અને અભિષેક વિધિમાં ભક્તજનોને જોડાવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી દ્વારા જણાવાયું છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ સુશોભન કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક અઠવાડિયા બાદ 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. આ જળયાત્રામાં સંતો, મહંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *