શહેરમાં અંબિકા ટાઉનશિપ પાસેની કસ્તૂરી શાક માર્કેટ પાસે ડી-માઇક નામનો જનરલ સ્ટોર ચલાવતા વેપારીએ દુકાનમાં આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરતાં તેના મિત્રએ તેના નામે લોન લઇને હપ્તા નહીં ભરી વિશ્વાસઘાત કર્યો હોય અને તેને સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ પણ કરી હતી, પરંતુ કંઇ પરિણામ નહીં આવતા આ પગલું ભરી લીધાનું તેના પરિવારે જણાવ્યું હતું, પરંતુ હાલ ફરિયાદ નહીંકરવાનું કહેતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંબિકા ટાઉનશિપ પાસેની કસ્તૂરી શાક માર્કેટ પાસે ડી-માઇક નામે જનરલ સ્ટોરની દુકાન ચલાવતા અને મવડી પાસે 40 ફૂટ રોડ પર શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા ગોકુલભાઇ નાગજીભાઇ ગજેરા (ઉ.36)એ પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઇ લેતા જાણ કરતાં 108ની ટીમે પહોંચી મૃત જાહેર કરતાં જમાદાર જનકસિંહ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક બે ભાઇમાં નાનો હોવાનું અને કેટલાક સમયથી પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હોય ભાઇ સાથે રહેતા અને દુકાન ચલાવતા હતો. શનિવારે ઘેરથી દુકાને જવાનું કહી નીકળી ગયા બાદ રાત્રે ઘેર નહીં આવતા સવારે તેના ભાઇએ તપાસ કરતા દુકાન પાસે તેના ભાઇનું બાઇક પડ્યું હોય દુકાનનું શટર ખોલી તપાસ કરતાં ભાઇ દુકાનના પિલરમાં ચૂંદડી બાંધી લટકતો જોવા મળ્યો હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.